Wednesday 31 May 2017

સદાકાળ ગુજરાત


                 

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!

                   

ઉત્તર   દક્ષિણ   પૂર્વ   કે   પશ્ચિમ,  જ્યાં  ગુર્જરના  વાસ;

સૂર્ય   તણાં  કિરણો  દોડે   ત્યાં,  સૂર્ય  તણો   જ   પ્રકાશ.

                             

જેની   ઉષા   હસે   હેલાતી,  તેનાં   તેજ  પ્રફુલ્લ પ્રભાત;

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

                           

ગુર્જર    વાણી,    ગુર્જર   લહાણી,  ગુર્જર   શાણી   રીત;

જંગલમાં   પણ  મંગલ   કરતી,   ગુર્જર    ઉદ્યમ   પ્રીત.

                       

જેને ઉર ગુજરાત  હુલાતી, તેને  સુરવન  તુલ્ય  મિરાત;

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

                           

કૃષ્ણ   દયાનંદ   દાદા   કેરી   પુણ્ય   વિરલ  રસ  ભોમ;

ખંડ   ખંડ    જઈ   ઝૂઝે   ગર્વે    કોણ   જાત   ને   કોમ.

                     

ગુર્જર  ભરતી  ઊછળે  છાતી ત્યાં રહે  ગરજી  ગુર્જર માત;

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

                     

અણકીધાં    કરવાના    કોડે,    અધૂરાં     પૂરાં    થાય;

સ્નેહ,  શૌર્ય   ને  સત્ય  તણા  ઉર, વૈભવ  રાસ  રચાય.

                         

જય જય જન્મ સફળ ગુજરાતી, જય જય ધન્ય અદલ ગુજરાત!

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

                         

અરદેશર ફ. ખબરદાર         

રાખે છે મને


પ્રેમમાં બોળીને રાખે છે મને
રંગમાં રોળીને રાખે છે મને

રોગ કોઈ ક્યાંથી ફરકે અંગમાં
ઔષધો ચોળીને રાખે છે મને

શક્ય ક્યાં છે ક્યાંય ખોવાઈ જવું
રાતભર ખોળીને રાખે છે મને !

પળમાં પર્વત ઓળંગાવી દે છે એ
કાંધ લઈ ડોળી ને રાખે છે મને !

રોમ રોમેથી ગઝલ ફૂટ્યા કરે
શબ્દમાં ઘોળીને રાખે છે મને

એટલે ઘોર્યા કરું છું રાતદિ’
નિત્ય હિલ્લોળીને રાખે છે મને

– હરકિસન જોષી