Showing posts with label gujarati fam. Show all posts
Showing posts with label gujarati fam. Show all posts

Tuesday, 31 July 2018

પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા,
મરજી મુજબની થોડી માજા હોવી જોઈએ...

Wednesday, 2 March 2016

બાળપણની ડરામણી વાતો

નાનપણમાં કેટ-કેટલીય વાર સાંભળેલી દસ વાતો: 
.
.
.
.
1. જો..જો..! કીડી મરી ગઈ..!!
(સાલું, વાગ્યું હોય આપણને, અને મરી જાય કીડી ..? કમાલ છે..)
2. મોટો થઈશ ને.. એટલે લાવી આપીશ..!
(જાણે કેમ કે, પ્રોપર્ટીમાંથી કોઈ ભાગ
માગી લીધો હોય..)
3. આવું ના બોલાય, પાપ લાગે..!
(આવું આવું જ કહીને કાયમ ડરાવે રાખ્યા હતા.)
4. સુઈ જા, નહીં તો બાવો આવશે..!
(હા.. જાણે બધા બાવા નવરા જ બેઠા હોય ને ..!)
5. આ ગંદુ છે. ચલ, આપણે બીજું રમકડું લઇ લેશું..!
(જેવું ખબર પડે, કે આ મોંઘું છે, કે તરત તે ગંદુ બની જાય...!)
6. રડવાનું બંધ કર, તો ચોકલેટ મળશે..!
(ને પછી, ચોકલેટ ખાવાની તો કાયમ 'ના' જ પાડતા...!)
7. જલ્દી ખાઈ લે નહીં તો પેલી બેબી
ખાઈ જશે...!
(પેટ ભલેને ફાટી જતું હોય, તો પણ પેલી બેબીના ડરને લીધે, ત્યારે ને ત્યારે ખાવું પડતું..!)
8. બા..બા જવું છે ને,.? તો જીદ નહીં કર..!
(બા..બા જવાની આશામાં ને આશામાં છોકરું થાકીને સુઈ જાય, પણ તેમનો તો મુડ જ ના બનતો ...!)
9. તું તો ડાહ્યો દીકરો છે ને મારો..?
(હા... તો શું એમ કહીને બધા કામ કરાવી લેવાના...? )
અને સહુથી જક્કાસ તો આ...!
10. એ...ઈ...! કાગો લઇ ગ્યો, જો....!
(મા-કસમ, એક મચ્છર પણ આસપાસ ઉડતો ના હોય, એ વખતે..!!)

Thursday, 26 February 2015

લાઇફ ઇઝ બ્યુટીફૂલ


→•લાઇફ ઇઝ બ્યુટીફૂલ પણ એ સુંદરતા સ્વીકારવાની•←
તમારી તૈયારી છે?
જિંદગીને નજીકથી જુઓ, એ ધીમે ધીમે સરકી રહી છે,
અને એને જીવી લો,
કારણ કે એ સરકી જવાની છે. જિંદગી વિશે બધું વિચારવાની પણ જરૂર નથી, કારણ કે
અલ્ટિમેટલી જિંદગી એ વિચારવાનો નહીં પણ જીવવાનો વિષય છે
I don't believe people are looking for the meaning of life
As much as they are looking for the
Experience of being Alive...!!• • •

Tuesday, 30 July 2013

મારી પ્રીયતમા ને

કે એક તણખલું પણ દીવાર જેવું ભાશે છે,
જ્યારે એ તારા-મારા વચ્ચે આવી જાય છે,
અને આ વ્યર્થના ચાંદ તારાની જરૂરત શું છે,
તારૂં મુખડું ક્યાં ઓછો પ્રકાશ રેલાવે છે,
તારા કેશની લટ પણ મને બહુ સતાવે છે,
નીરખું તને કે તરતજ તારા ચહેરા પર દોડી આવે છે,
કસ્બીએ કંડારેલા તારા નાક-નેણ જોતાં નજર થંભી જાય છે,
તને કહું કંઇક તે પહેલાં તો બુટ્ટી તારા કાનની મલ્કાય છે,
અને તારી ઓઢણી જોઇ ને મને તો ઇર્ષા ઊભરાય છે,
કેવી તે મનમોજી ઘડીકમા તુજ થી લીપટી જાય છે,
સાચું કહું તો મારી ઇચ્છાઓ તો આમ ઘણી છે,
પણ દુઆમા હોઠ પર નામ તારૂં જ આવી જાય છે…
- “શબ્દ્શ્યામ” આશિષ ઠાકર ક્રુત

Thursday, 18 October 2012

….તો કહેવાય નહીં

આજ કલમ કંઈક ધખધખતું લખવા કરે છે,
લાગણી ધગીને લાવા થયો હોય તો કહેવાય નહીં.
આ કંપારી કલમની છે કે હાથની ખબર નથી,
મહીં હળાહળ વલોવાતું હોય તો કહેવાય નહીં.
કાષ્ઠ-હૃદયનું વલોણું લાવ ને જરી ફેરવી જોઉં,
સાચ-જૂઠ અલગ પડી જાય તો કહેવાય નહીં.
આમ તો જિંદગીનો દરિયો સાવ ખારો જ મળ્યો છે,
તળિયે ક્યાંક શબ્દો પડ્યા હોય તો કહેવાય નહીં
જમાનાની દુર્દશા માટે, જો કે દુર્જનો જ નિંદાય છે,
કહેવાતા સજ્જનોનો ય હાથ હોય તો કહેવાય નહીં.
મંદિર, મસ્જિદ કે દેવળમાં હવે હું જતાં ડરું છું,
શેતાન ત્યાં પણ છુપાયેલો હોય તો કહેવાય નહીં.
મારા દોસ્તોની યાદીમાં જેઓનાં નામ મોખરે છે,
તેના શત્રુઓની યાદીમાં હું હોઉં તો કહેવાય નહીં.
જીવન-પરીક્ષાના કોયડા, સાચા ઉકેલી શક્યો નથી,
કૃપા-ગુણથી ‘હંસ’ પાસ થઈ જાય તો કહેવાય નહીં.
– એચ. બી. વરિયા

જીગર જાન-દોસ્ત

આંસુ હોય મારી આંખમાં તો એ રડી પડે છે
મારી એક ખુશી માટે એ બધાં સાથે લડી પડે છે
મંઝિલનાં એક-એક મુકામે જ્યારે પણ એની જરૂર પડે છે
સાથ આપવા મારો એ હંમેશા તૈયાર રહે છે
ઘણી વાતો આ મન બધાંથી છુપાવે છે.
એ એક છે જે મારી આંખોથી બઘું વાંચી લે છે.
મારી પસંદ-નાપસંદ બઘું એ જાણે છે
અવનવા ઉપાયોથી એ હંમેશા મને ખુશ રાખે છે.
હું હોઉં ખુશમિજાજમાં તો એ પણ મહેંકી ઉઠે છે
મારી એક હસીમાં પોતાનાં સેંકડો ગમ છુપાવી દે છે.
કેવી છે આ ગાંઠ પ્રીતની જે હંમેશા અમને બાંધી રાખે છે.
હા એજ દોસ્તની દોસ્તી જે બધાંથી ખારી લાગે છે.
-જયોતિ એ.ગાંધી (મોરબી)

પોતાની અદેખાઈ - સૈફ પાલનપુરી

સૈફ પાલનપુરીને યાદ કરીને પરંપરાની એક ગઝલ માણીએ.


તમારું પાત્ર આવ્યું- તો જ આવી છે કંઈક સરખાઈ
મને પણ જિંદગીની વાર્તા ત્યારે જ સમજાઈ

હું મારી દુર્દશા માટે તો કારણભુત છું પોતે
જુએ છે કેમ તેઓ આમ મારી સામે ગભરાઈ

ક્ષિતિજ પર આભ ધરતીનાં મિલન અંગે તમે યારો
મને ના પૂછશો કે હું ગયો છું ખૂબ વ્હેમાઈ

મલાજો સ્વપ્ન સાથેનાં સંબંધોનો રહ્યો એવો
તમે આવ્યાં નજર સામે છતાંએ આંખ મીંચાઈ

શું મારા વેશપલટામાં કોઈ ખામી રહી ગઈ'તી?
અરીસામાં મને મારી જ સૂરત કેમ દેખાઈ?

કોઈ ત્રીજું ન આવે આપણી વચ્ચે એ કારણસર
કરી લઉં છું હું પોતે મારી પોતાની અદેખાઈ

તમારું "સૈફ" આ સૌજન્ય પણ ભારે નિરાળું છે
સ્વીકારો છો તમારા પર તમારી ખુદની સરસાઈ

થોડા છોક્કરી ગીતો!!

એવુ ન હતું કે રમેશ પારેખે જ આવા ગીતો Introduce કર્યા, કયા ગીતો! છોક્કરી ગીતો...એવી ઉંમરના યુવક-યુવતીની વાત કે જે હજુ હમણાં સુધી કિશોર-કિશોરી, તરુણ-તરુણી હતા અને હજુ Full-Fledged યુવાન-યુવતી થયા નથી..એ કઈ ઉંમર..જી હા.. એ ઉંમર 16ની...

આવા ગીતો તો એ પહેલા ય હતા..

થાંભલીનો ટેકો ને ઓશરીની કોર,
કણબીની છોકરી એ પાળ્યો છે મોર
મોર ટહૂકા કરે


.....પણ સાહેબ..રમેશ પારેખે એ 16 વર્ષની છોકરી ને છોક્કરી બનાવી અને એના માટે શ્રી મુકુલ ચોકસીએ કહ્યું,

કાનથી સુંઘાય નહીં, તો ય કોઇ કાનમાં રોજ પૂમડું અત્તરનું ખોસે,
એવી રીતે એક છોક્કરીને વર્ષ સત્તરમું બેસે.........



શ્રી રમેશ પારેખે લખેલું મારું પ્રિય છોક્કરી ગીત,

એક છોકકરાએ સીટીનો હિંચકો બનાવીને છોક્કરીને કીધું, લે ઝૂલ,

પછી છોક્કરાએ સપનાનું ખીસ્સુ ફંફોસીને સોનેરી ચોકલેટ કાઢી રે,
ને છોક્કરીની આંખમાંથી સસલીના ટોળાએ ફેંકી ચીઠ્ઠીઓ અષાઢી રે,
સીધ્ધી લીટીનો સાવ છોક્કરો, તે પલળ્યો ને બની ગયો બે-ત્રણ વર્તુળ

છોક્કરીને શું એ તો ઝૂલી, તે એને ઘેર જતા થયું સહેજ મોડું રે,
જે કંઈ થવાનું હતું એ છોક્કરાને થયું, એના સાનભાન ચરી ગયું ઘોડું રે,
બાપાની પેઢીએ બેસીને રોજ-રોજ ચોપડામાં ચીતરતો ફૂલ...


અને for a change..આ વખતે એક મારું છોક્કરી ગીત...


બારી ખોલો તો આકાશે સૂરજ નામે શૂન્ય મળે
સામેની બારી જુઓ તો છોકરી નામે પૂણ્ય મળે

છોકરી ના હોય તો એની બારીમાં જોવાનો મહિમા અપરંપાર છે
છોકરી ને જોવાની માનતામાં છોકરાના કપાળે ચોખા ચાર છે
બારીમાં છોકરીએ સૂક્વ્યો રુમાલ, છોકરાને માટે તો પૂજ્ય મળે

મંદિરમાં છોકરીના પગલાં પડે તો મંદિર આ આખું છલકાય છે,
આજકાલ છોકરાઓ ધાર્મિક થયા કહી પૂજારી મનમાં હરખાય છે
મૂર્તીના દર્શન તો થાય ત્યારે થાય, એને છોકરીના દર્શનથી ધન્ય મળે

બારીમાં આવીને વાળને સંવારવાનો છોકરીનો રોજનો ક્ર્મ,
છોકરીને વાંચવાને વાંચવામાં બગડ્યો, છોકરાનો અભ્યાસક્રમ
છોકરીને વાંચવામાં અવ્વલ નંબર, પછી છોને પરીક્ષામાં શૂન્ય મળે

નોટોની આપ-લેના સરળ કારણસર, છોકરીના ઘેર આંટાફેરા,
છોકરાની કલ્પનાને ફૂટી ગઈ પાંખ, મનમાં એ રોજ ફરે ફેરા
ધારોકે છોકરીનું ક્યાંક બીજે થાય, તો છોકરો નામે નગણ્ય મળે
-2002-03

શું ચીજ છે?

આજે રમેશ પારેખ અને ઘરડા થવું એ શું ચીજ છે એની ગઝલ......


એકલા સાંજે બગીચે બેસવું શું ચીજ છે?
બાંકડો શું ચીજ છે? બુઢ્ઢા થવું શી ચીજ છે?

ચીજવસ્તુ થઈ ગયેલી આંખને પૂછી જુઓ,
સાવ ખાલીખમ સડકને તાકવું શું ચીજ છે?

કઈ તરસ છે એ કે એને આમ પાલવવું પડે?
રોજ આખેઆખું છાપું પી જવું શુ ચીજ છે?

રોજ એના એ જ સાલા ફેફસાં વેંઢારવા
રોજ એનું એજ જીવ પર આવવું શું ચીજ છે?

ગોળ ચશ્માં, ગોળ દિવસો, ગોળ ઝળઝળિયાં, રમેશ
ગોળ રસ્તા, ગોળ જીવે હાંફવું શું ચીજ છે?

વિશ્વ સામે જીભ આખી હોડમાં મૂકવા, રમેશ
હોડ શું છે? હાર શું છે? ઝૂઝવું શું ચીજ છે?

મીરા કાવ્ય - રમેશ પારેખ

ઓણુંકા વરસાદમાં બે ચીજ કોરી કટ્ટ

એક અમે પોતે અને બીજો તારો વટ્ટ


નેવાં નીચે ઓસરી, આંખો નીચે ગાલ

નખથી નક્ષત્રો સુધી જળ આંબ્યું આ સાલ


વાવાઝોડું હોય તો કરીએ બંધ કમાડ

આ તો ઘરમાં પાડતું જળનું ટીપું ધાડ


નખ ઊગ્યા અંધારને, ભીંતે ઊગી દાઢ

ઉપર મારે આંચકા અણિયાળો અષાઢ


તારા વટને કચ્છની સૂડી સરખી ધાર

અમે કમળની દાંડલી-કરીએ શું તકરાર?


મીરા કહે કે સાંવરા, વાગે વીજળી બહુ

બીજું શું શું થાય તે આવ, કાનમાં કહું

અભણ અમરેલવી ઉર્ફે રમેશ પારેખ

આજે અભણ અમરેલવી ઉર્ફે રમેશ પારેખનું એક અછાંદસ. ઈશ્વરનો ન્યાય તો ર.પા. જ કરી શકે..એને ગમતો માણસ હતો એટલે ગાળ પણ આપી શકે...એને ગુનો પણ ફરમાવી શકે અને એને માફ પણ કરી શકે...ર.પા. છે ભાઈ, આપણે તો ભક્તિભાવ પૂર્વક વાંચવાનું અને થોડી ક્ષણો આંખ બંધ કરીને બંનેને યાદ કરવાના - જેના પર કવિતા થઈ છે અને જેણે કવિતા કરી છે....

અભણ અમરેલવીએ કહ્યું............


યુધ્ધો, યાતનાશિબિરો, હોનારતો
હાહાકારો
હોસ્પિટલના દોઝખમાં ઓગળતાં મનુષ્યો
ભૂખમરો
મોત........
આ બધું ગધેડીના ઈશ્વરનું સર્જન છે?
હશે.
આ પ્રશ્નનો જવાબ મને આવડતો નથી.
કેમકે આ તો અભ્યાસક્ર્મની બહારનો સવાલ છે!

શ્રીમદ ભાગવત આખેઆખું ચાવી જનાર ભૂખી ગાય
બીજે દિવસે કતલખાને હડસેલાય
એ ગાય, જેણે ગોકુળ, મથુરા, વૃન્દાવન અને
શ્રી કૃષ્ણ સહિતનું જ્ઞાન પચાવ્યું,
તેને દૂધ નહીં આપવાના ગુના સબબ
કતલખાનાને દરવાજે કેમ ઊભા રહેવું પડે છે?
-આ પ્રશ્નનો જવાબ પણ મને નથી આવડતો.

હું અભણ છું
મારા કપાળમાં અંધારુ લખનાર ઈશ્વરને
ગધેડીનો ના કહું તો શું કરું?

પરંતુ બાળક, ફૂલ, તુષાર, સવાર, ગીત, પંખી
અને માતા
આટલી વસ્તુનો સર્જક ઈશ્વર છે
તેની મને ખબર છે.......

આ ખબરની સાક્ષીએ
હું શંકાનો લાભ આપીને
સર્જકને કહું છું ઈશ્વર.

હું ઈશ્વરને માફ નહિ કરું
પણ સર્જક્ને ઈશ્વર કહું છું
માટે ઈશ્વરને તેના ગુનાઓની માફી આપું છું!

મારો કબીર છે - હર્ષ બ્રહ્મભટ્ટ

સચિવાલયમાં જેટલા મોટા કામ કરે છે એવું જ કામ કલમ વડે કવિતામાં કરતાં હર્ષ બ્રહ્મભટ્ટની એક ગઝલ. કબીર ચાદર વડે જો લોકોની જિંદગી વણતા હતા તો કવિ ગઝલ વડે એ કામ ના પાર પાડે?


મારી કને તો માત્ર આ મારું શરીર છે,
મારા બધાયે શ્વાસ તો જાણે ફકીર છે.

ખાલી આ મારી બહારની હાલતને ના જુઓ,
મારી ભીતરનો આદમી કેવો અમીર છે !

એમાંય પણ દેખાય છે સૃષ્ટિ આખીય તે,
આખું ભલે ન હોય ફળ, એકાદ ચીર છે.

છે કોણ કે બેસી રહ્યું છે રોકી શ્વાસને,
ખળ ખળ નદીનું વ્હેણ જુઓ કેવું સ્થિર છે !

એમાં જુઓ વણતો રહું છું રંગ સૃષ્ટિના,
મારી ગઝલના પોતમાં મારો કબીર છે.

કેવી મઝાથી ઝબકી રહી વીજ આભમાં,
પોતે ખુદાના હાથમાં જાણે લકીર છે !

પણ નથી...ગુંજન ગાંધી

પલળી જવાય એવો વરસાદ પણ નથી,
તું યાદ રાખવાની, એ યાદ પણ નથી.

એ સ્પર્શની મજાની હું વાત નહી કરું,
શબ્દોમાં સાલી એવી મરજાદ પણ નથી.

ઘૂંટણ અહીંયા સૌના ચરણો બની ગયા,
ને ઘાસ જેવો કોઈ અપવાદ પણ નથી.

પરસેવો ટેરવાને એ રંજથી કહે,
એવો નસીબ સાથે સંવાદ પણ નથી.

તારા વગરની એને, સાંજ ના કહું,
ને આમ એ દિવસમાં છે, બાદ પણ નથી.

"સોનલ તુ ઇટ્ટા કીટ્ટા છોડ


"આમ નજર ના ફેરવી લેવાથી પાસેનું હોય એને થોડું પરાયું બનાવી શકાય છે
એવું ખરું કે....
.હું ઘડીક હોવું ને ઘડીક ના પણ હોવું....
પણ ઘડીક માં ચોર પગલે તારી સૈયા માં સળ થઇ ને બેસી પણ જવું..
.હું કોઈ નક્કી નહિ હોવું....
તારા પુસ્તક નું સત્યાવીશમું પાનું હોઈશ...તું ચાલે તે રસ્તો હોઈશ...
તારા ખુલ્લા કેશ માં ફરતી હવા હોઈશ...
તું મને સંભાળે પણ તારી યાદ માં જ ના આવું....
છબી માં હોવું પણ તારી સામે ના જ હસું...
ક્યારેક જૂની પેટી માં છુપાયેલ મારો કોઈ પત્ર બની ને,હું અચાનક જાદુ અને તને રડાવી પણ દવું....
પણ અંતે તોહ સોનલ તું છે કેલીડોસ્કોપે અને હું છું તારું બદલાતું ચિત્ર..
અપને અરસ પારસ છીએ....
તારી હથેળી માં ભાગ્ય ની રેખા હું છું...
તારા અરીસા માં દેખાતું પ્રતિબિંબ હું છું....
તારી સકલ સુંદરતા બની ને તને ભેટી પડ્યો છું....
તારું સકલ સોનલ પણું જ હું છું....
અને તારે એનો ઇનકાર કરવો છે.....કરી તોહ જો...."

લે, તરસને સાચવી

લે, તરસને સાચવી,
કયાં નદીને રાખવી?

બારણા જેવી સરળ,
ભીંત ક્યાંથી લાવવી?

દ્રશ્ય ભીનુ થઈ ગયુ
ક્યાં નજર સંતાડવી?

વાત પૂરી ના થઈ?
તો ક્ષણો લંબાવવી.

પત્ર એનો ના મળે,
તો પ્રતિક્ષા ફાડવી!

શું મળ્યું છે?

દર્દને સંકોરવાથી શું મળ્યું છે?
એકલું રાખી મૂક્યું મન, શું ફળ્યું છે?

આપણા હોવાપણાની શક્યતામાં,
કોણ આવીને અહીં ટોળે વળ્યું છે?

રાત સુંદર, ચંદ્રને credit મળી ગઈ,
તેજ સૂરજનું હકીકતમાં બળ્યું છે!

ભીંત પર જે કંઈ લખ્યું વાંચી ગયા પણ,
ભીંતની અંદર પછી કોઈ ચળ્યું છે?

એક ટીપાને હતું જંગી કુતૂહલ,
જળપણું છોડી, હવા સાથે ભળ્યું છે.

લાગણી હાજર જવાબી નીકળી...

એકદમ ધીમેથી ત્યાંથી નીકળી,
એ દિવો છોડી હવા બી નીકળી.

ભાગ્ય થીજી જાય જો જામે બરફ?
ત્યાં જ સૂરજની સવારી નીકળી.

તું જો હાજર હોય તો રાજી થતી,
લાગણી કેવી નવાબી નીકળી.

વ્યક્ત ના થઈ જાઊં એવી બીકથી,
જિંદગી આખ્ખી, અધૂરી નીકળી

'હા' કે 'ના' એ તો કંઇ બોલ્યા નહીં,
લાગણી હાજર જવાબી નીકળી.

અવાજો પણ કદી દેખાય તો....

સ્વપ્ન છે એ રાતથી લંબાય તો,
ધારણાનું આ જગત બદલાય તો?

તું 'સફર', 'રસ્તા' વગર પહોંચી શકે,
આ 'ગતિ' દિશા' નથી સમજાય તો.

સહુ સનાતન સત્યનું આવી બને,
એક દિવાથી સૂરજ ઢંકાય તો?

નામ એનું ગણગણું, ને થાય કે,
આ અવાજો પણ કદી દેખાય તો?

તું સમયસર આવે તો એવું બને?
'રાહ જોવાનો' સમય અકળાય તો?

જળપરીના સમ!

પગરખામાં નડેલી કાકરીના સમ.
નહી તો, નંગ વાળી આંગળીના સમ.

મને 'શું છે હયાતી', એ સમજ આવી,
બધી એના વિશેની ચોપડીના સમ.

ન ચીસો કોઈએ પણ સાંભળી એની,
એ જાજમ પર પડેલી ટાંકણીના સમ.

હશે ટટ્ટાર મન તો ચાલશે એને,
લો ખૂણામાં પડેલી લાકડીના સમ.

તમે પામી ગયા છો ભેદ દરિયાનો?
એ તળિયામાં વસેલી જળપરીના સમ!