Thursday 9 December 2021

નદીની રેતમાં રમતું નગર મળે

 નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,

ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.


ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,

પછી આ માટીની ભીની અસર મળે ન મળે.


પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,

આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.


ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,

પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.


રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,

પછી કોઈને કોઈની કબર મળે ન મળે.


વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,

ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.


વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,

અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.


આદિલ મન્સૂરી

હું જરા બદલી ગયો છું

 હું જરા બદલી ગયો છું આપ માનો કે ન માનો.

વાત એકજ કહી રહ્યો છું આપ માનો કે ન માનો.


હા રમતવાતે તમે તો જે હતું માગી લીધું' તું.

એટલે સુખ દઈ રહ્યો છું આપ માનો કે ન માનો.


હા તમારી બેઉ આંખો ચૂમવા આતુર તેથી-

અશ્રુરુપે વહી રહ્યો છું આપ માનો કે ન માનો.


છે કદમ ને પીઠ બંને એ તરફ જ્યાં આપ ઉભાં.

લાગશે કે જઈ રહ્યો છું આપ માનો કે ન માનો.


વાયદો મેં પાનખરને પ્રેમનો' રશ્મિ' કર્યૉ' તો.

પુષ્પ કાંટા લઈ રહ્યો છું આપ માનો કે ન માનો.


- ડૉ.રમેશ ભટ્ટ' રશ્મિ'.

આવે ભલે હજારો પડકાર જિંદગીમાં

 જિંદગીમાં


આવે ભલે હજારો પડકાર જિંદગીમાં.

ભીતર ભર્યો અમારી લલકાર જિંદગીમાં.


છો આવતી ભલેને આફત ઘણી વધારે,

કરશું બધાં એ શમણાં સાકાર જિંદગીમાં.


જીવન તણી ગઝલમાં લય તાલ સૂર સંગે,

ભરશું અમે અનોખો રણકાર જિંદગીમાં.


ભારત તણી ધરાએ માબાપને નમન છે,

સીંચ્યાં ઘણાં અનોખા સંસ્કાર જિંદગીમાં.


આવી મળ્યાં તમે જ્યાં પામી ગયો મજાનો,

એ લાગણી તણો ત્યાં ધબકાર જિંદગીમાં.


      ગીતા ઠક્કર"ગીત"

સંસારનો સાગર

  પરિસ્થિતિને આધિન જીવવું પડે છે, 

મર્યા પહેલાં સો વાર મરવું પડે છે .


જૂઠી જંજાળમાં અહીં ફરવું પડે છે, 

દુનિયાથી સૌ કોઈને ડરવું પડે છે. 


આજીવન કારાવાસમાં વસવું પડે છે,

દિલ રડતુ હોય છતાં હસવું પડે છે.


જરૂર ન હોય ત્યારે ખસવું પડે છે, 

ચમક લાવવા સોનું ઘસવું પડે છે. 


ઉચ્ચ લક્ષ્ય પામવા પડવું પડે છે, 

મોટી મુશ્કેલીઓથી લડવું પડે છે. 


નડવું ન હોય છતાં નડવું પડે છે, 

સંસારના સાગરમાં સડવું પડે છે. 


કઠપૂતળીના ખેલમાં રમવું પડે છે, 

જેમ નમાવે તેમ નમવું પડે છે.


આફત આવ્યે સૌને તરવું પડે છે,

ચિંતન વગર કાર્ય કરવું પડે છે.



                        ચિંતન સોહેલિયા 

                           પડધરી

કોઈ આ દિલને બહુ ફાવી ગયું

 આંખમાં સમણાં જરા વાવી ગયું,

કોઈ આ દિલને બહુ ફાવી ગયું.


દ્વાર દિલનું બંધ કરવાનો હતો,

ગમતું માણસ કોઈ ત્યાં આવી ગયું.


પાનખર આવી હતી જીવનમાં ફરી,

હાથમાં આ ફૂલ કોણ લાવી ગયું?


સાવ કાફર એ ચહેરો એ છતાં,

જીભ પરનું મધ ઘણું ભાવી ગયું,


આંખમાં સપના તૂટેલા છે ઘણા,

તે છતાં સપના નવા અપાવી ગયું.

-- હિંમતસિંહ ઝાલા

તમે મન મૂકી વરસો

 તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,

અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.


કહો તો માછલીની આંખમાં ડૂબકી દઇ આવું,

પણ આ છીછરું ખાબોચિયું આપણને નહીં ફાવે.


તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,

ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.


તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું ?

તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે


તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ,

પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.


– ખલીલ ધનતેજવી

એક ઘટના સાવ અણધારી હતી

 હું નથી પણ તોય એ મારી હતી,

એક ઘટના સાવ અણધારી હતી.


બંધ રાખ્યા હોઠ તો જલસો પડ્યો,

ખોલવામાં ક્યાં સમજદારી હતી?


પ્રેમમાં હારીશ એ નક્કી હતું,

જીતવાની તોય તૈયારી હતી.


વાત મારા આવવાની સાંભળી,

દુશ્મનોએ શેરી શણગારી હતી.


એ નહીંતર તો કદી ના પાડે નૈ,

ના કહેવામાં જો લાચારી હતી.


જિંદગીભર ઘરનો જે આધાર થઇ,

અંત વેળા એ જ નોંધારી હતી.


સ્મિત એવું જાણે મીઠું મધ પ્રશાંત,

આંખ એની કેમ બહુ ખારી હતી?


...પ્રશાંત સોમાણી