હું નથી પણ તોય એ મારી હતી,
એક ઘટના સાવ અણધારી હતી.
બંધ રાખ્યા હોઠ તો જલસો પડ્યો,
ખોલવામાં ક્યાં સમજદારી હતી?
પ્રેમમાં હારીશ એ નક્કી હતું,
જીતવાની તોય તૈયારી હતી.
વાત મારા આવવાની સાંભળી,
દુશ્મનોએ શેરી શણગારી હતી.
એ નહીંતર તો કદી ના પાડે નૈ,
ના કહેવામાં જો લાચારી હતી.
જિંદગીભર ઘરનો જે આધાર થઇ,
અંત વેળા એ જ નોંધારી હતી.
સ્મિત એવું જાણે મીઠું મધ પ્રશાંત,
આંખ એની કેમ બહુ ખારી હતી?
...પ્રશાંત સોમાણી
No comments:
Post a Comment