Showing posts with label future. Show all posts
Showing posts with label future. Show all posts

Friday, 16 November 2012

Monday, 22 October 2012

બોમ્બ વિસ્ફોટ...કૃષ્ણ દવે

ના રે ના કશું જ નથી થયું.
બધું જ રાબેતા મુજબ....

હા આજે ચિંટુનો જન્મ દિવસ!
તે, થોડા ફુગ્ગાઓ અને રંગીન કાગળોથી સજાવેલો હતો ડ્રોઈંગ રૂમ.
બરાબર 8-15 વાગે ડોરબેલ રણકી ઉઠી, તે હોંશભેર બારણું ખોલ્યું મમ્મીએ।
હેપ્પી બર્થ ડે કહી મોટું ગીફ્ટ બોક્ષ મમ્મીના હાથમાં પકડાવતા એક યુવતી બોલી, ક્યાં ગયો ચીંટુ?
ચિંટુ તો ક્યારનો ય છૂપાઈને બેઠો હતો કબાટની પાછળ.
મમ્મી એ કહ્યું, પણ તમે કોણ?
ઓહ! મને ના ઓળખી? હું એકવીસમી સદી,
હમણાં જ રહેવા આવી છું તમારી સોસાયટીમાં.
મમ્મી એ કહ્યું, આવોને. એણે કહ્યું, ના ઉતાવળમાં છું, ફરી ક્યારેક, અને એ જતી રહી.
અને મમ્મીએ ગીફ્ટબોક્ષ ખોલ્યું, તો અંદરથી નીકળ્યું,
લોહીમાં ઝબોળાયેલું પપ્પાનું આઈ કાર્ડ,
કપાયેલા હાથના કાંડા ઉપર 7-40 વાગે અટકી પડેલું ઘડીયાળ,
મુઠ્ઠીમાં સજ્જડ પકડાયેલું હેપ્પી બર્થ ડે લખેલું ગીફટ પેકેટ,
અને મમ્મી ધડામ દઈને નીચે ફસડાઈ પડી।

કબાટ પાછળથી દોડી આવેલો ચિંટુ બોલી ઉઠ્યો, શું થયું? મમ્મી શું થયું?

ના રે ના બીજું કશું જ નથી થયું,
નાના ઘરોમાં નાના નાના વિસ્ફોટ સિવાય!!!!!????

Thursday, 18 October 2012

શું ચીજ છે?

આજે રમેશ પારેખ અને ઘરડા થવું એ શું ચીજ છે એની ગઝલ......


એકલા સાંજે બગીચે બેસવું શું ચીજ છે?
બાંકડો શું ચીજ છે? બુઢ્ઢા થવું શી ચીજ છે?

ચીજવસ્તુ થઈ ગયેલી આંખને પૂછી જુઓ,
સાવ ખાલીખમ સડકને તાકવું શું ચીજ છે?

કઈ તરસ છે એ કે એને આમ પાલવવું પડે?
રોજ આખેઆખું છાપું પી જવું શુ ચીજ છે?

રોજ એના એ જ સાલા ફેફસાં વેંઢારવા
રોજ એનું એજ જીવ પર આવવું શું ચીજ છે?

ગોળ ચશ્માં, ગોળ દિવસો, ગોળ ઝળઝળિયાં, રમેશ
ગોળ રસ્તા, ગોળ જીવે હાંફવું શું ચીજ છે?

વિશ્વ સામે જીભ આખી હોડમાં મૂકવા, રમેશ
હોડ શું છે? હાર શું છે? ઝૂઝવું શું ચીજ છે?

મીરા કાવ્ય - રમેશ પારેખ

ઓણુંકા વરસાદમાં બે ચીજ કોરી કટ્ટ

એક અમે પોતે અને બીજો તારો વટ્ટ


નેવાં નીચે ઓસરી, આંખો નીચે ગાલ

નખથી નક્ષત્રો સુધી જળ આંબ્યું આ સાલ


વાવાઝોડું હોય તો કરીએ બંધ કમાડ

આ તો ઘરમાં પાડતું જળનું ટીપું ધાડ


નખ ઊગ્યા અંધારને, ભીંતે ઊગી દાઢ

ઉપર મારે આંચકા અણિયાળો અષાઢ


તારા વટને કચ્છની સૂડી સરખી ધાર

અમે કમળની દાંડલી-કરીએ શું તકરાર?


મીરા કહે કે સાંવરા, વાગે વીજળી બહુ

બીજું શું શું થાય તે આવ, કાનમાં કહું

અભણ અમરેલવી ઉર્ફે રમેશ પારેખ

આજે અભણ અમરેલવી ઉર્ફે રમેશ પારેખનું એક અછાંદસ. ઈશ્વરનો ન્યાય તો ર.પા. જ કરી શકે..એને ગમતો માણસ હતો એટલે ગાળ પણ આપી શકે...એને ગુનો પણ ફરમાવી શકે અને એને માફ પણ કરી શકે...ર.પા. છે ભાઈ, આપણે તો ભક્તિભાવ પૂર્વક વાંચવાનું અને થોડી ક્ષણો આંખ બંધ કરીને બંનેને યાદ કરવાના - જેના પર કવિતા થઈ છે અને જેણે કવિતા કરી છે....

અભણ અમરેલવીએ કહ્યું............


યુધ્ધો, યાતનાશિબિરો, હોનારતો
હાહાકારો
હોસ્પિટલના દોઝખમાં ઓગળતાં મનુષ્યો
ભૂખમરો
મોત........
આ બધું ગધેડીના ઈશ્વરનું સર્જન છે?
હશે.
આ પ્રશ્નનો જવાબ મને આવડતો નથી.
કેમકે આ તો અભ્યાસક્ર્મની બહારનો સવાલ છે!

શ્રીમદ ભાગવત આખેઆખું ચાવી જનાર ભૂખી ગાય
બીજે દિવસે કતલખાને હડસેલાય
એ ગાય, જેણે ગોકુળ, મથુરા, વૃન્દાવન અને
શ્રી કૃષ્ણ સહિતનું જ્ઞાન પચાવ્યું,
તેને દૂધ નહીં આપવાના ગુના સબબ
કતલખાનાને દરવાજે કેમ ઊભા રહેવું પડે છે?
-આ પ્રશ્નનો જવાબ પણ મને નથી આવડતો.

હું અભણ છું
મારા કપાળમાં અંધારુ લખનાર ઈશ્વરને
ગધેડીનો ના કહું તો શું કરું?

પરંતુ બાળક, ફૂલ, તુષાર, સવાર, ગીત, પંખી
અને માતા
આટલી વસ્તુનો સર્જક ઈશ્વર છે
તેની મને ખબર છે.......

આ ખબરની સાક્ષીએ
હું શંકાનો લાભ આપીને
સર્જકને કહું છું ઈશ્વર.

હું ઈશ્વરને માફ નહિ કરું
પણ સર્જક્ને ઈશ્વર કહું છું
માટે ઈશ્વરને તેના ગુનાઓની માફી આપું છું!

તમારું નામ - રમેશ પારેખ

જ્ઞાનવશ આંખોમાં કોઈ સ્વપ્ન પેસે જડભરત,
તે પછી હોઠે તમારું નામ આવે છે તરત.

ખાતરી કરવા અરીસાને ચૂંટી ખણવી પડે,
આટલા દુષ્કાળમાં આંખોનું ભીંજાવું સતત?

અક્ષરો પાડું, ધકેલું, ચીતરું, ઘૂંટું, ભૂંસું,
હું રમું કાગળની વચ્ચે તમને મળવાની રમત.

આજ કુંડામાં ઊગ્યું છે સાવ નાનું એક ફૂલ,
તમને એનું ધીમું ધીમું ઝુલવું કેવું ગમત!

ધૂળમાં ચકલીને ન્હાતી જોઈને થાતું, રમેશ
આપણે વરસાદની આવી જ બાંધી'તી મમત

જળપરીના સમ!

પગરખામાં નડેલી કાકરીના સમ.
નહી તો, નંગ વાળી આંગળીના સમ.

મને 'શું છે હયાતી', એ સમજ આવી,
બધી એના વિશેની ચોપડીના સમ.

ન ચીસો કોઈએ પણ સાંભળી એની,
એ જાજમ પર પડેલી ટાંકણીના સમ.

હશે ટટ્ટાર મન તો ચાલશે એને,
લો ખૂણામાં પડેલી લાકડીના સમ.

તમે પામી ગયા છો ભેદ દરિયાનો?
એ તળિયામાં વસેલી જળપરીના સમ!

વેનિસના દરિયાની ગઝલ...

 
દરિયો દળાય છે,
કોને કળાય છે?
 
તારી જ છે હવા,
એને મળાય છે?

જીવ્યાનો અર્થ શું -
'હોવું ગળાય', છે?

કંઈ પણ બની શકે,
રેતી 'જળાય'છે!

લો આ વિશાળતા,
એને વળાય છે?

મેં વિચારોને ફરી ઇસ્ત્રી કરી......


મેં હથેળીને પછી મુઠ્ઠી કરી,
ભાગ્યરેખા એ રીતે લાંબી કરી.

કરચલી તો ચામડીને ચાલશે,
મેં વિચારોને ફરી ઇસ્ત્રી કરી.

પગ ભટકવા એટલા જીદે ચડ્યા,
મેં બધા નકશાની લો હોળી કરી.

આટલું અજવાળુ અમને બસ હતું.
આંખ પાછી કેમ તેં મોટી કરી.

પરસેવો શું હોય, સમજાવો તરત,
પાણી એ નિર્દોષ ઉઘરાણી કરી.

નથી નથી.....

કંઈ પણ નવું નથી, જૂનું નથી નથી.
પાસે નથી કશું, અળગું નથી નથી.

જે ડાબા હાથે જીવ્યા'તા સરળ કદી,
એ જમણા હાથે પણ મળતું નથી નથી.

સત્યોનો રંગ કાળો હોઈ ના શકે,
તો શ્વેત છે, એ પણ સાચું, નથી નથી.

હા-ના તો થઈ નથી, કે વાત આંખથી,
ને ખાસ એવું કંઈ બન્યું નથી, નથી?

રાતે અવાજ ધીમો ના કરી શકો?
મનરવ ને એવું કહેવાતું નથી નથી.

મહેકને અડકી ગયા....

'માપ દરિયાનું ગજું' એવું કહી મલકી ગયા,
ફૂટપટ્ટી રેતને ધરતા તમે અટકી ગયા.

આંકડા ઓછા પડે તો આંગળાઓ ચાલશે,
ચાંદ સૂરજને ગણો, તારા ભલે છટકી ગયા.

હાથ જો છોડી શકો ને,તો જ આગળ જઈ શકો,
આ સમયનો સાથ આપી કેટલા ભટકી ગયા.

પાંદડા પર આભ ઉતર્યું ને જમીન કોરી રહી,
ને સરોવર જોઈને આ,શી ખબર છલકી ગયા.

ફૂલની હાલત ઘણી ગંભીર જેવી થઈ જશે,
ભૂલથી કોઈ વાર પણ જો મહેકને અડકી ગયા.

વાત વરસાદે ઉડાવી ……

હાથની ઝણઝણાટી,
કોણ જાણે શું થવાની.
  
બંધ બેસે એવા સપના,
રાત ગોતી લાવે ક્યાંથી.
ઈંટતા ઓછી પડેલી,
એટલે ભીંતો ચણાઈ.
ને અમે ભીના થયા'તા,
વાત વરસાદે ઉડાવી.
જીભ ઊપર આવે ના આવે,
જીવ પર આવવાની.

તારામાં થોડું ડૂબવા નીકળ્યા....

ઝરણું પાણી લાવ્યું ક્યાંથી શોધવા નીકળ્યા,
છાંયડાથી વૃક્ષનું કદ માપવા નીકળ્યા.

ઘર કરે મારામાં તું એ રીતે, રહેવાય ના,
ને અમે તારામાં થોડું ડૂબવા નીકળ્યા.

ટોચની જોઈ ઉદાસી,આભમાં બેઠા નહીં,
વાદળો પર્વતનો આંટો મારવા નીકળ્યા.

ફૂલને પાંખો વિશે જો કલ્પના આવી,તો -
એ બધા ર્ંગીન સરનામે જવા નીકળ્યા.

ઘાસમા છૂપાયેલી એ સોય પાછી મળી,
જે દિવસ ખોયેલા એને ગોતવા નીકળ્યા.

વિના ખબરે શાંતિ

જેવી સમાચારોને વાચા મળી
સનસનાટી મચાવી સમજણે

' પી' જવાય અજ્ઞાનતામાં ગુનાખોરી
ટોળામાં પંડિતાઈ ઠેબે ચડે વારે ગડીએ

શ્વાસોને શું ખબર જીવની હાજરી વિષે
અને છતાં ઘેર હાજરી મોતનું કારણ બને

નીરજીવ રાખે કાયમી શાંતિ અનંત બ્રહ્માંડે
આખી દુનિયા હચમચાવે શ્વાસોની સમજણ

===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

હું ગુજરી ગયો છું.

 
મને કરજો યાદ કે હું ગુજરી ગયો છું,
ને વ્હેંચજો પ્રસાદ કે હું ગુજરી ગયો છું.

ગુરૂ, ભગત, મહંત સઘળાં ગયા જ ને,
શા કામનો વિષાદ કે હું ગુજરી ગયો છું.

કોની આંખમાં, કોની નજરમાં, કોના દિલમાં હતો,
મુકી જ દો વિવાદ કે હું ગુજરી ગયો છું.

પૃથ્વી પરનો થોડો બોજ ઓછો થયો દોસ્ત,
સરવાળે થયો બાદ કે હું ગુજરી ગયો છું.

સ્તબ્ધ મહેફીલ તખલીય તખલીયા મૌન,
કોણ આપશે દાદ કે હું ગુજરી ગયો છું.

શરીસની જાળમાં ફસાયો હતો આત્મા,
થઈ ગયો આઝાદ કે હું ગુજરી ગયો છું.

“ફકત” ચાલો ઉઠાવો જનાજો, આપો કાંધ,
ઇરસાદ ઇરસાદ કે હું ગુજરી ગયો છું.

કવિઃ તરુણ ઢોલીયા (ફકત તરુણ)
કાવ્ય સંગ્રહઃ એક હતો હું (ફકત તરુણ)

નિષ્ફળતાનો કારમો આ ભાર વેઠાંતો નથી

નિષ્ફળતાનો કારમો આ ભાર વેઠાંતો નથી,
ને સફળતાનો કોઇ અમને, માર્ગ દેખાતો નથી.

શમણાં બધા સુખો તણાં, આવ્યા અને ચાલ્યા ગયા,
આંખો તણી આ પ્યાસનો, પ્રવાસ રોકાતો નથી.

કુંપળ ઉગે છે એક જ્યાં, સુકા પત્તા તુટી પડે,
જીવન અને મૃત્યુ તણો, આ મર્મ સમજાતો નથી

બેબશ પ્રભુ, અમને બધાને કેમ રે છોડી દીધા,
જાણે અમારી સાથ તારો, કોઈ પણ નાતો નથી.

જીવન તણાં આ ભારને માથે મુકી ભમતો રહ્યો,
ને આજે મારા શ્વાસનો, આ ભાર ઉચકાતો નથી.

મીઠી તમારી વાતમાં ‘રાજીવ’ ખોવાયો હતો,
જુઓ હવે તે કોઈની વાતોથી ભરમાતો નથી.

છંદવિધાનઃ ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા

રચનાઃ રાજીવ ગોહેલ

વિરહ

લાગણી ઢોળાય કાગળે
પ્રેમ પિપાસા પીએ અશ્રુ

ન ,મળ્યાના અણસાર ટહુકે
ભીતર બોલે વેણ અબોલું

જતન ઝ્વ્વાળા મુખીનું
દળે બે દિલોનું બાકોરું

ભીતર ઘુટે પ્રેમના પારખુ
જન્મ્યું આબોલા ઓગણે જ્ન્મારું

આગણું થયું હાકે ડાકે બે બાકળુ બિચારું
આવશે ના અણસારે મીટે મંડાયું ગલીયારું
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

આજકાલ


આયનો બીંબને કેવો પકડે છે ?


હોય છે પ્રતિબિંબ જેવા ચહેરા ?
આયના નેય છેતરે છે ચહેરા

મૂલ્યોનું ખુલ્લે આમ કતલ
વૃત્તિઓ કેવી ધારદાર હોય છે ?

બારણાંને ખૂલાવાની આઝાદી
કબરને સજા પડ્યા રહેવાની

વૃત્તિઓને ખુલ્લો મેદાન કેમ ?
ઈરાદા માપવાનાં એધાણ એમ

અનંતનો અંત શોધવા બ્રહ્માંડ ?
સળવાળે મનના ખુલ્લા મેદાન

બીમ્બના હોવા પણાનાં પૂરાવા ક્યા ?
દેખાવને આયનો કેવો સંગ્રહી રાખે છે ?

ખળ ખળતી વૃતિઓની નદી સૂકાતી નથી
કાયમી સાચા પ્રેમની નદીઓમાં પૂર હોય છે ?
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

Wednesday, 17 October 2012

Grow Tree

 
 
 
 
 
 વાદળની આંગળીને પકડીને આજ ફરી વરસાદને પાછો લૈ આવીએ
ચાલો આંગણામાં ઝાડ કોઇ વાવીએ

આંગણામાં ઝાડ એક વાવશું તો રોજ રોજ ટહુકાઓ કેટલાયે આવશે
કો’ક કૂહુક કૂહુક કો’ક ચીં ચીં ચીં બોલીને આંગણાને કલરવતું રાખશે
ફૂલોથી રોજ બધા આંગણું મહેકાવતા, અમે પંખીથી આંગણું મહેકાવીએ
ચાલો આંગણામાં ઝાડ કોઇ વાવીએ

સાંભળ્યું છે હમણા તો વરસાદ ગયો છે ક્યાંક દૂર દૂર પરિઓના દેશમાં
એની સાથે જ પેલું મેઘધનુષ ગાયબ છે સાત સાત રંગોના ડ્રેસમાં
શું કામે ભાઇ હવે મોડુ કરવું હેં ? ચાલો બેઉને જલદી લૈ આવીએ
ચાલો આંગણામાં ઝાડ કોઇ વાવીએ

- જિગર જોષી ‘પ્રેમ’