Monday, 22 October 2012

ઘેરાઈ ગયા ને?

શ્રી કૃષ્ણ દવે સંવેદનશીલ કવિ છે..આપણે વાંસલડી.કોમ અથવા આ સઘળા ફૂલોને કહી દો..ના ગીતોથી એમને ઓળખીએ છીએ..પણ અત્યારે ગઝલ પર એમનું ધમધોકાર અને એવું જ બળકટ કામ ચાલે છે..તાજેતરના ગુજરાતના વાતાવરણે એમની સંવેદનાને ઝંકૃત કરી અને કવિનું સંવેદન તો કવિતામાં જ પરિણમે ને? આ વખતે એ ગઝલ હતી..આવો માણીએ..


સહેજ તમારી વાત કરી કે તરત જ છંછેડાઈ ગયાને?
કપડા પરથી રજ ખંખેરે એમ જ ખંખેરાઈ ગયાને?

ચારે બાજુ તમે જ વાવેલા એ તમને યાદ હશે ને?
અડાબીડ ઉગેલા જુટ્ઠાણાઓથી ઘેરાઈ ગયાને?

જેમ લખાવે સમય એમ ખુદને પણ લખતા ગયા હોત તો?
ઉતાવળા થઈ ટપક્યા કાગળ ઉપર તો રેળાઈ ગયાને?

નદી જેમ વહેવાનો દાવો ઘણા બધા કરતા જ રહે છે.
તમેય મોજુ થઈ આવ્યા તે પાછા હડસેલાઈ ગયાને?

મૂળ વિના ઉગ્યાની વાતો ટકી ટકીને ટકે કેટલી?
જરા મીલાવ્યો હાથ હવાએ તો પણ ધક્કેલાઈ ગયાને?

ઘણી વાર સમજાવ્યુ'તુંને? પાણીને પણ ધાર હોય છે!
આંસુની આડે ઉતર્યા તો વચ્ચેથી વે'રાઈ ગયાને?

કિરણોની પહેલી જ સભામાં ઝાકળના ઝભ્ભા પહેરીને -
ઝળહળતા રહેવાના ભાષણ પળમાં સંકેલાઈ ગયાને?

તમે નથીની સાબીતીમાં તમે જ બોલો વધુ હોય શું?
સૂરજની સામે જ તમારા પડછાયા વેડાઈ ગયાને?

No comments:

Post a Comment