Wednesday, 11 December 2019

પહેલી હરોળમાં | First

મારું કદી ના પહોંચવું પહેલી હરોળમાં
ને એમનું મોટા થવું પહેલી હરોળમાં 

સૌની કલા માણી નહી માપી રહ્યા છે એ
બેઠા છે લઈને ત્રાજવું પહેલી હરોળમાં

હું મંચ પર ભજવી રહ્યો છું જિંદગી અને
 મૃત્યુનું તાળી પાડવું પહેલી હરોળમાં

આ યોજના સાથે ઘણાં ભટકે છે આમ તેમ
કેવી રીતે ઘૂસી જવું પહેલી હરોળમાં

પાછળ જઈને બેસ પીડા, શોભતું હશે!
ઊભા થઈને નાચવું પહેલી હરોળમાં 

ધીરેથી આખા હોલમાં વ્યાપી ના જાય ક્યાંક
આ સ્તબ્ધતાનું ઊગવું પહેલી હરોળમાં 

જોયા કરે પણ દાદ ના આપે સ્વભાવગત
એણે કદી ના બેસવું પહેલી હરોળમાં 

ભાવિન ગોપાણી

No comments:

Post a Comment