Tuesday 8 March 2022

મરતી વખતે માણસના મગજમાં શું ચાલતુ હોય છે, વૈજ્ઞાનિકોએ પહેલી વખત કર્યુ લાઈવ મોનિટરિંગ

 

સેંકડો વર્ષોથી વૈજ્ઞાનિકો એ વાત જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ,માણસના મોત બાદ દિમાગનુ શું થાય છે.

આ દિશામાં વૈજ્ઞાનિકોની એક ટીમે સંશોધન કરીને રસપ્રદ દાવો કર્યો છે.એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલ અનુસાર યુનિવર્સિટી ઓફ લુઈસવિલેના ન્યૂરોસર્જન ડો.અજમલ જેમ્માર અને તેમની ટીમે સંશોધન કરીને એક રિસર્ચ પેપર પ્રકાશિત કર્યુ છે.

આ સંશોધનના ભાગરુપે મોતના આરે પહોંચેલા એપિલેપ્સીના 87 વર્ષના દર્દીનુ  ઈલેક્ટ્રોએન્સિફેલોગ્રાફી દ્વારા મોનિટરિંગ કરવામાં આવ્યુ હતુ.આ દરમિયાન દર્દીને હાર્ટ એટેક આવ્યો હતો અને તેનુ મોત થયુ હતુ.સતત મોનિટરિંગના કારણે સંશોધકોને પહેલી વખત મરી રહેલા વ્યક્તિના દિમાગની હલચલ રેકોર્ડ કરવાની તક મળી હતી.

આ સંશોધકોનુ કહેવુ છે કે, મૃત્યુ થઈ રહ્યુ હતુ તે સમયગાળામાં 900 સેકન્ડ સુધી અમે્ દિમાગની હિલચાલને રેકોર્ડ કરી હતી.જેમાં ખાસ કરીને હાર્ટ અટકી ગયુ તેની 30 સેકન્ડ પહેલા અને 30 સેકન્ડ પછી મગજમાં શું થયુ હતુ તેના પર ધ્યાન આપવામાં આવ્યુ હતુ.જેમાં મગજમાં થઈ રહેલા કંપનમાં બદલાવ જોવા મળ્યો હતો.

મગજમાં ગામા, ડેલ્ટા, થીટા, આલ્ફા અને બીટા કંપનમાં ફેરફાર દેખાયો હતો.આ પ્રકારના કંપન એટલે કે હળવી ધ્રુજારીને મગજના તરંગ તરીકે ઓળખવામાં આવે છે.જે જીવતા વ્યક્તિના મગજમાં સક્રિય તરંગ સ્વરુપે એક આકૃતિ બનાવે છે.

ગામા સહિતના વિવિધ પ્રકારના આ તરંગો માણસને ધ્યાન લગાવવા માટે, સપનુ જોવા માટે, જુની યાદો વાગોળવા જેવી વિવિધ પ્રક્રિયાઓમાં મદદ કરે છે.

વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે, દિમાગ આ તરંગો થકી પોતાના જીવનની અગત્યની પળોને યાદ કરી શકે છે.મોતની નજીકના જે અનુભવો અગાઉ ચર્ચાઈ ચુકયા છે તેના જેવી જ સ્થિતિ અમે જોઈ છે.

જોકે વૈજ્ઞાનિકોનુ માનવુ છે કે, જેના મગજનો અભ્યાસ કરાયો તે વ્યક્તિ એક દર્દી હતો  અને તેના મગજમાં ઘણી જટિલતાઓ હતી.જેના કારણે મોનિટરિંગ દરમિયાન જે ડેટા મળ્યો તેનુ એનાલિસિસ  એટલુ સળ નહોતુ.

No comments:

Post a Comment